આપણા પૈકી ઘણાએ અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તા સાંભળી હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. ચીનના માયુને પણ તેનું વાંચન કર્યું હતું. તેમણે અલીબાબા ગ્રુપ ઊભું કરીને આજની પેઢી માટે નવી વાર્તા નહીં, પરંતુ હકીકત દર્શાવી છે. જેમણે પ્રારંભના વર્ષોમાં લગભગ ૪૦ નિષ્ફળતા બાદ સંઘર્ષ કરીને ૪૦ સાહસો ઊભા કરીને મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કર્યું છે તેમના વિશે જાણીએ.
ચીનના ગરીબ પરિવારમાં જન્મેલા માયુન જે બાદમાં જેકમા તરીકે ઓળખાયા. તેઓ પ્રાથમિક શાળામાં બે વાર માધ્યમિક સ્કૂલમાં ત્રણ વાર અને કોલેજમાં પણ નાપાસ થવા છતાં નાસીપાસ થયા વિના હિંમત હાર્યા વગર આગળ વધવાનો પ્રયત્ન કરે છે. નિષ્ફળતાની દોર આગળ ચાલે છે. કોલેજ બાદ ૩૦ જગ્યાએ જોબ માટે અરજી કરી, પરંતુ તમામે રિજેક્ટ કર્યા. સરકારી નોકરી કરી જોઈ તથા મિલિટરીમાં જોડાયા ત્યાં પણ જામ્યું નહીં.
૩૦ વર્ષની ઉંમર બાદ ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ૧૫ વર્ષમાં અલીબાબા ગ્રુપે એટલા ઝડપથી પ્રગતિ કરી કે માત્ર ચીનની જ નહીં, પરંતુ વિશ્ર્વની મોટી ઓનલાઈન ઈ-કોમર્સ કંપની બની ગઈ. હાલ આ ગ્રુપ મીડિયા, મનોરંજન હેલ્થકેર, કાર, નેવીગેશન સહિત અનેક ક્ષેત્રે કાર્યરત છે. ચીન જેવા સામ્યવાદી દેશમાં રહીને ચીન અને વિશ્ર્વના અન્ય દેશમાં મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. અન્ય લોકોની નિષ્ફળતા-ભૂલમાંથી શીખ મેળવીને તેમણે સફળતા મેળવી છે એમ તેઓ ગર્વ પૂર્વક કહે છે. વિશ્ર્વભરમાં ફક્ત ૧૦ વર્ષમાં જ પ્રખ્યાત થઈ ગયેલા અલીબાબા ગ્રુપના સહસ્થાપક અને હાલના ચેરમેન માયુનનો જન્મ ૧૯૬૪માં ચીનના હેંગઝુ પ્રાન્તમાં થયો હતો. જે હાલ જેકમા તરીકે ઓળખાય છે.
૩૦ વર્ષ સુધી સતત સંઘર્ષ અને અવગણના તથા દરેક જગ્યાએ જોબ માટે નકારાયેલ જેકમાએ ૩૦મા વર્ષ પછી એટલી ઝડપથી પ્રગતિ કરી કે દુનિયા દંગ થઈ ગઈ.
ચાઈનીઝ માયુનને જેકમા નામ કેવી રીતે મળ્યું તે પણ જાણવા જેવું છે. તે ૭-૮ વર્ષનો હતો ત્યારે વિદેશના ટૂરિસ્ટો ચીનના પ્રવાસે આવતા તેમને બધે ફેરવતો હતો. નાની ઉંમરમાં ગાઈડની સેવા આપતો હતો તેના બદલામાં તે ટૂરિસ્ટો પાસે અંગ્રેજી શીખતો થયો. ટૂરિસ્ટોએ તેને નવું નામ આપ્યું જેકમા. પછી તો આ નામે જ વિશ્ર્વવિખ્યાત થયો. બાદમાં જેક બિઝનેસ કોલેજમાંથી સ્નાતક થયો. એમબીએ કર્યું. જોકે ભણવામાં સામાન્ય હતો સ્કૂલ-કોલેજમાં નાપાસ પણ થયો હતો.
પ્રખ્યાત હાર્વર્ડમાં વધુ અભ્યાસ માટે તેમણે કરેલી અરજી અનેક વાર રિજેક્ટ થઈ હતી. આ તેમનો પહેલો અનુભવ નહોતો. ભણતર ગમે તેમ પૂરું કરીને ૩૦ જગ્યાએ જોબ માટે અરજી કરી, પરંતુ તમામે તેમને નકારી કાઢ્યા. પોલીસમાં ભરતીનો પ્રયાસ કરી જોયો, પરંતુ તેમાં પણ ઈનકાર કરાયો. આટલી બધી જગ્યાએ નકારી કઢાયા બાદ જેક હતાશ-નાસીપાસ થઈ ગયો, પરંતુ હિંમત હાર્યો નહીં.
જેકે આખરે સરકારી નોકરી માટે પ્રયાસ કર્યો અને તેમાં ચાન્સ લાગ્યો. ચીનના વિદેશ વેપાર ખાતામાં કામ શરૂ કર્યું. અહીં તેમની મિત્રતા જેરીયંગ સાથે થઈ જે બાદમાં યાહુના સહસ્થાપક બન્યા.
સરકારી જોબમાં જડ અમલદારશાહી સાથે કામ કરવામાં મજા આવી નહીં. નારાજગી સાથે આ જોબ છોડી દીધો. જોકે સરકારી નોકરીનો અનુભવ આગળ જતાં તેમને કામ આવ્યો.
સરકારી જોબ છોડ્યા બાદ ઈન્ટરનેટ આધારિત બિઝનેસ સાહસમાં હાથ અજમાવ્યો તે અગાઉ થોડા સમય યુનિવર્સિટીમાં અંગ્રેજીનો શિક્ષક બન્યો. ટૂરિસ્ટો પાસે શીખેલું અંગ્રેજી કામ આવ્યું. ભાષાંતર (અનુવાદ) સર્વિસનું કામ શરૂ કર્યું. ૧૯૯પમાં અમેરિકાની મુલાકાતે ભાષાંતરકાર તરીકે ગયા. આ બધા અનુભવ તેમને કામ લાગ્યા. જેકમા અને તેના મિત્ર પેંગલીએ મળીને ચીન અને ચાઈનિઝ પ્રોડક્ટો માટે ઓનલાઈન સાઈટ શરૂ કરીને ‘ચાઈનાપેજ’ શરૂ કર્યું. સાઈટમાં ચીનના બિઝનેસ પ્રોડક્ટોની યાદી મૂકી. વિશ્ર્વભરમાંથી પૂછપરછ મળવા લાગી. મહેનત બહુ કરી, પરંતુ સરકારી અંકુશ કહે કે જડ અમલદારશાહીના કારણે પ્રયાસ નિષ્ફળ ગયો જેથી જેકમાએ કંપની છોડી દીધી. જેકનું ઈ-કોમર્સ કંપનીનું સ્વપ્ન હતું. ૧૯૯૯ની એક સાંજે ૧૮ મિત્રો તેમના ઘરે ભેગા થયા. નવા વિઝનની ચર્ચા કરી અને તેનાથી પ્રભાવિત થઈને એક જ દિવસમાં ૬૦ હજાર ડૉલર ભેગા થયા. ઈન્ટરનેટના બિઝનેસમાં વ્યાપક સંભાવના
જોઈ.
૧૯૯૯માં પ્રથમ બિઝનેસ અલીબાબા.કોમ નામે શરૂ કર્યો. આજે અલીબાબા ગ્રુપ ચીનની જ નહીં વિશ્ર્વની મોટી ઓનલાઈન કોમર્સ કંપની બની ગઈ છે. બીજી કંપની તાઉબાઉ.કોમ અને ટીમોલ ચાલુ કરી વિશ્ર્વની ૧૦ મોટી ઈ-કોમર્સ કંપનીમાં સ્થાન ફક્ત ૧૦ વર્ષમાં મેળવ્યું. જેક પાસે અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તા સહિત અરેબિક વાર્તાનો મોટો સંગ્રહ હતો અને તેનું વાંચન પણ કર્યું. આ પાત્રમાંથી જ તેમને આ નામ સૂઝયું હોવાનું કહેવાય છે.
ચીનના નાના અને મધ્યમ કક્ષાના એકમો વિશ્ર્વના બીજા દેશો સાથે કેવી રીતે સંપર્ક કરીને બિઝનેસ કરી શકે તે માટે અલીબાબા ગ્રુપે પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આ ગ્રુપનો સૌથી મોટો બિઝનેસ તાઉબાઉ.કોમ દ્વારા શક્ય બન્યો. આ સાઈટ ઈ બે.કોમના જેમ ગ્રાહકથી ગ્રાહક માટે માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. બાયર-સેલરને ભેગા કરે છે. જાહેર ખબર વેચીને (ગૂગલની જેમ) વેપારીઓ તેમની પ્રોડક્ટ એડમાં દર્શાવે છે. જે ફી અલીબાબા ચાર્જ કરે છે. વેચાણકાર પાસે સબસ્ક્રિપ્શન ફી વસૂલ કરે છે.
અલીબાબા ગ્રુપ એમેઝોનની જેમ બિઝનેસવર્ગને ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ચીનના બિઝનેસવર્ગને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડતી મજબૂત કડી બન્યું છે. ચીનના ઊભરતાં બિઝનેસવર્ગને બ્રાન્ડેડ ગુડ્ઝની વ્યાપક રેન્જની ઓફર કરે છે. પસંદગીનો અવકાશ મોટો રહ્યો છે. સપ્ટેમ્બર-૨૦૧૪ અલીબાબાનો સૌથી મોટો આઈપીઓ આવ્યો હતો જે ઘણો સફળ રહ્યો હતો. આઈપીઓ બાદ અલીબાબાનું નામ વિશ્ર્વભરમાં ગાજતું થયું હતું. આ ઈસ્યુ એક રેકોર્ડ બન્યો હતો. ૧૫૦ અબજ ડૉલર ઊભા કર્યા હતા.
અલીબાબા ગ્રુપે ફિલ્મ ઉદ્યોગ, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું છે. ફૂટબોલ ટીમ પણ ખરીદી હતી. એમેઝોન મુખ્ય સ્પર્ધક રહ્યું છે. અલીબાબા ગ્રુપ અન્ય કોઈ ઈ-કોમર્સ કંપની કરતા વધુ બિઝનેસ હેન્ડલ કરે છે. લાખોની સંખ્યામાં યુઝર્સ-વેપારીઓ અને બિઝનેસમેન છે. જેકમાએ મીડિયા ઉદ્યોગમાં ઝંપલાવવાનું કારણ દર્શાવતા કહ્યું હતું કે પશ્ર્ચિમના દેશો અને અન્ય દેશોમાં ચીનની નેગેટિવ ઈમેજ દૂર કરવાના પ્રયાસરૂપે સૌથી જૂનું ૧૦૦ વર્ષથી વધુ જૂનું હોંગકોંગસ્થિત અંગ્રેજી અખબાર ખરીદ્યું હતું. આમ તો મુંબઈ સમાચાર એશિયાનું સૌથી જૂનું અખબાર છે જે ૧૯૭ વર્ષ જૂનું છે.
અલીબાબા ગ્રુપે ચીનની મેપ અને નેવિગેશન કંપની હસ્તગત કરી લીધી જે ગૂગલને ડાટા પૂરાં પાડે છે. ચીનની બહાર પગપેસારો કર્યો. અમેરિકામાં ક્લાઉડ (હવામાનને લગતી) કોમ્પ્યુટિંગ સર્વિસ કંપની શરૂ કરી. વિશ્ર્વવિખ્યાત સિલિકોન વેલીમાં પ્રથમ સેટેલાઈટ ડિવિઝન ઊભું કર્યું. ત્યાર બાદ અલીપે નામે ડિજિટલ પેમેન્ટ કંપની શરૂ કરી. તે ઉપરાંત મનોરંજન ઉદ્યોગ હેલ્થકેર ક્ષેત્રે પ્રવેશ કર્યો. હાલ સ્માર્ટ કાર માર્કેટમાં એન્ટ્રિ મારી છે.
ચીનની બહાર અનેક કંપની હસ્તગત કરી છે. સિંગાપોરસ્થિત લઝાડા હસ્તગત કર્યું. રિટેલ ક્ષેત્રે વોલમાર્ટને ઓવરટેઈક કર્યું. ચીન જેવા કટ્ટર સામ્યવાદી દેશમાં એક ઉદ્યોગ સાહસિક તરીકે અનેક નિષ્ફળતા, સંઘર્ષ અને અવરોધ વચ્ચે સફળ થઈને દર્શાવ્યું કે ‘નથિંગ ઈઝ ઈમ્પોસિબલ’.
વિશ્ર્વ વિખ્યાત ટાઈમ મેગેઝિને જેકમાને એક લેખમાં ક્રેઝી જેક કહ્યાં હતા તેનાથી નારાજગી દર્શાવવાને બદલે તેમણે સ્વીકાર્યું હતું કે હા અમે ક્રેઝી છે તે સારું છે. નવું નવું કરવાનો ક્રેઝ છે, પરંતુ અમે મૂર્ખ નથી કે મંદબુદ્ધિના નથી.
અલીબાબા ગ્રુપ હાલ ર૦૦ દેશમાં કાર્યરત છે. વેલ્યુએશનનો આંકડો પ૦૦ અબજ ડૉલરનો વટાવીને અલીબાબા ગ્રુપ કંપની એશિયાની બીજી મોટી કંપની બની છે. ર૦૦૦ બાદ ઝડપી સફળતા મળી છે. વોલમાર્ટ, એમેઝોન, ઈ બે સહિત તમામ ઓનલાઈન રિટેલર, ઈ-કોમર્સ કંપનીના નફાને અલીબાબાએ વટાવ્યો છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની સ્વિટઝરલેન્ડના દાવોસમા યોજાતી બેઠકમાં વિશ્ર્વભરના આર્થિક નિષ્ણાતો, આર્થિક અખબારના તંત્રીઓ, ઉદ્યોગપતિઓ હાજર રહે છે ત્યાં જેકમાના વક્તવ્યથી તમામ પ્રભાવિત થયા હતા. કારણ કે તેમના જેટલી નિષ્ફળતા કોઈએ જોઈ નથી. તેમાંથી બહાર નીકળીને જ્વલંત સફળતા હાંસલ કરી છે. અલીબાબા ગ્રુપને નવી ઊંચાઈએ લઈ જનાર જેકમાના વિચાર અને સલાહને અવગણી શકાય નહીં. નાના બિઝનેસમેનથી લઈને મોટા ઉદ્યોગગૃહ માટે ઉપયોગી સાબિત થાય તેવા તેમના ક્વોટ છે. જે પૈકી અમુક અહીં પ્રસ્તુત છે.
તેમની પ્રાથમિકતા પ્રમાણે પ્રથમ ગ્રાહકને મૂકી બીજા ક્રમે કર્મચારી/સ્ટાફ અને યાદીમાં ત્રીજા સ્થાને શેરધારકોને મૂકી સવારે ઊઠો ત્યારે એમ માનો કે આજે મુશ્કેલ દિવસ છે. આવતી કાલે વધુ કપરો દિવસ છે, પરંતુ પરમ દિવસે ભાવિ ઊજળું છે. કોઈ પણ વાત કે વિચાર અથવા સ્વપ્નને છોડો નહીં તેને વળગી રહો.
જીવનમાં કે બિઝનેસમાં કંઈ ભૂલ થાય અથવા નિષ્ફળતા મળે તો બીજા પર દોષનો ટોપલો નાખવાને બદલે જવાબદારી સ્વીકારતા શીખો.
શિક્ષણમાં કે વ્યવસાયમાં તમારા સ્પર્ધકને હરાવવાનો અને મારવાનો પ્રયાસ નહીં કરો ઊલટાનું સ્પર્ધક પણ સક્ષમ અને શક્તિશાળી બને તે જુઓ અને તંદુરસ્ત હરીફાઈ કરો. અન્ય લોકો તમારા કરતા સારા છે એમ માનો તો સફળ થશો.
મગજ શાંત અને સ્વભાવ ધીરજવાળો રાખો. તેઓ થાઈ ચી ફિલોસોફીમાં માને છે. આપણા પુરોગામીઓએ/વડીલોએ આપણામાં રોકાણ કર્યું છે એમ માનીને ચાલો તેથી આજની પેઢીની જવાબદારી છે કે તેમના રોકાણનું ફળ આપીએ અને તેમના કરતા સારું કરીએ.
સરકાર સાથેના કામ અને જોબના અનુભવના સંદર્ભમાં તેમણે કહ્યું છે કે તેમની સાથે પ્રેમ કરો, પરંતુ લગ્નનું વિચારો નહીં. લાંબો સમય સરકારી જોબમાં જોડાઓ નહીં.
સરકારી ખજાનામાંથી નાણાં ઉપાડવા અને સરકારી
સબસિડી પર આધારિત કંપની સ્થાપવાની તેઓ ભારે ટીકા કરે છે.
તેમનું આ વાક્ય વિચારતા કરી મૂકે એવું છે. અન્ય લોકોની સફળતામાંથી શીખવાને બદલે તેમની ભૂલમાંથી-નિષ્ફળતામાંથી શીખો. તેમણે આ જ સિદ્ધાંત અપનાવીને ચીન જેવા સામ્યવાદી દેશમાં અદ્ભુત સફળતાં હાંસલ કરી છે. ચીનમાં બિઝનેસ કરવો મુશ્કેલ છે એવી ટીકા થાય છે. તે ભ્રમ-શંકા તેમણે દૂર કરી છે.
અલીબાબા ગ્રુપની સફળતા વિશે જ્યારે પણ લખીશ તો તેમાં આ ગ્રુપની ભૂલ અને નિષ્ફળતા વિશે લખીશ, કારણ કે તેમાંથી શીખ-બોધપાઠ લઈને જ ભૂલ સુધારવાની તક મળે છે. યુવા વર્ગમાં હાલ સલાહ-સૂચન દ્વારા બીજ રોપીને તમને ભવિષ્યમાં ચોક્કસ ફળ આપશે. વિશ્ર્વના મોટા અને સફળ બિઝનેસમેન પૈકી મોટા ભાગના નાણા કમાઈને તેનું ચેરિટી કરે છે.
આવકનો અમુક હિસ્સો પરોપકારી પ્રવૃત્તિ પાછળ ખર્ચે છે. જેકમા પણ અનેક સેવાભાવી કામ કરી રહ્યા છે.
પર્યાવરણ સુરક્ષા પાછળ જે પ્રોજેક્ટ કાર્યરત છે, તેમાં મદદ કરે છે. જેકમાના મને પપ-૬૦ વર્ષના થાઓ પછી
અન્ય પ્રવૃત્તિ તરફ વળો જેમ કે યુવાવર્ગને-નવી પેઢીને તૈયાર કરો.
Sign up here with your email